પુરી, મગ, ચણા, બુંદી,બટાટા, મીઠી ચટણી એ બધું જ ક્ષણભંગુર છે.
પાણી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થોડીક પાયાની વાત.
ઘણાને પુરી ઘરે બનાવવાનું ફાવે છે. અભિનંદન. મોટાભાગનાઓ પુરી તૈયાર લઈ આવે છે. સદનસીબે બધે જ તૈયાર પેકેટ મળે છે. કમનસીબે, આમાંની બહુ ઓછી જગ્યાઓએ સારી પુરી મળે છે.
સિંધિ ટાઇપની પાતળી પુરી તેમ જ બુંદી મારી પસંદ નથી. પાણી ઠંડું હોય તે સારું છે પણ ચિલ્ડ નહીં, માત્ર કોલ્ડ જોઈએ. ગળી ચટણી ખજૂર, ગોળ, આંબલી અને જીરૂં (ધાણા-જીરૂં નહીં), લાલ મરચું તથા નમક નાખીને બનાવવાની. આમાં એક પણ વધારાની ચીજ ન જોઈએ અને કોઈની બાદબાકી પણ નહીં કરવાની.
મગ અને ચણાને રાતભર પલાળીને રાખી મૂકવાના. પછી બાફવાના. મગ માટે પ્રેશર કૂકર ન વાપરો તો સારું. મગ, બટાટા અને ચણાને સહેજ મસાલેદાર બનાવવા નમક, લાલ મિર્ચ અને થોડુંક સંચળ તથા જીરૂં ભભરાવવાનાં.
આ રેસિપી દસથી બાર વ્યક્તિઓ માટે છે. પાણીપુરી એકલાં ખાતાં પકડાઓ તો પોલીસ પકડી જાય. લગભગ ચારસો પુરી લાવવાની. સોએક તુટેલી નીકળે તોય વાંધો નહીં. વધે તો દહીં-બટાટાપુરીમાં કામ લાગે. આમ છતાં પાણી વધ્યું તો માની લેવાનું કે પાણીપુરી ખાવાની ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે તમને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે.
તો પાણી બનાવીએ?
સામગ્રી:
ફૂદીનો: ૧ કિલો (ચૂંટ્યા પહેલાંનું વજન )
કોથમીર: ૨૫૦ ગ્રામ (ચૂંટ્યા પહેલાંનું વજન)
લીલાં મરચાં: ૫૦ ગ્રામ
ગોળ: ૧ વાટકી (મોટી)
આંબલી: ૫૦ મિલિલીટર (પલ્પ)
સંચળ: ૮ ટીસ્પૂન (નાની ચમચી)
સિંધવ: સાડાત્રણ ટીસ્પૂન
આમચૂર: પોણાત્રણ ટીસ્પૂન
જીરૂં: ૩ ટીસ્પૂન
સૂંઠ: દોઢ ટીસ્પૂન
મરી ૧ ટીસ્પૂન:
ચિલી ફ્લેક્સ: ૧ ટીસ્પૂન
હિંગ: પા (એક ચતુર્થાંશ) ટીસ્પૂન
સુંઠ: દોઢ ટી સ્પૂન
પાણી: સવા પાંચ લીટર
રીત:
ફુદીનો ચૂંટીને બે વાર પાણીમાં ધોઈ નાખવો. દોઢ લીટર પાણી લઈ મિક્સરમાં વાટીને એક તપેલામાં બાજુએ મૂકી દો. એજ તપેલામાં વધુ દોઢ લીટર પાણી ઉમેરો. ફુદીનાનું પાણી કુલ ત્રણ લીટર થયું.
એ જ રીતે કોથમીરનું પાણી ૧ લીટર બનાવો અને મરચાંનું પાણી ૨૫૦ મી.લી. બનાવો. મરચાં વાટતી વખતે ૧ નાની ચમચી નમક અને અડધું લીંબુ ઉમેરવું જેથી એનાં રંગ, સ્વાદ અને સુગંધ જળવાઈ રહે. ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સિવાય તમારે ક્યાંય નમક, લીંબુ કે સાકર, લાલ મરચાંનો પાઉડર વાપરવાનાં નથી. એ કામ સિંધવ, સંચળ તથા આંબલી, આમચૂર અને ગોળ તેમ જ મરી, લીલાં મરચાં, ચિલી ફ્લેક્સ પર છોડી દેવાનું.
ફુદીનાનું પાણી મોટી ગળણીમાં ગાળી નાખવાનું. ગળણીમાં રહેલો ફૂદીનો બહુ ઘસીને, નીચોવીને કે દબાવીને ગાળશો તો સ્વાદ કડૂચો થઈ જશે. માટે એને હળવે હાથે થપથપાવીને ગાળવું. એમાં કોથમીર તથા મરચાંનું પાણી ઉમેરવું. આ થયું સવા ચાર લીટર પાણી.
હવે બીજા એક તપેલામાં ૧ લીટર પાણી લઈ એમાં ગોળ ઓગાળો. પછી આંબલીનો પલ્પ, મરી, જીરૂં, સિંધવ, સંચળ, ચિલી ફ્લેક્સ, હિંગ, સૂંઠ તથા આમચૂર નાખી બરાબર મિક્સ કરો. સરસ સુગંધ આવશે.
હવે આ એક લીટરની જમનાને પેલી સવા ચાર લીટરની ગંગા સાથે ભળી જવા દો. સરસ્વતી તો અદશ્યરૂપે તમારાં આંગળાંમાં જ વસે છે.
આ પાણીને છ થી આઠ કલાક વિસમવા દેવાનું.
પછી મિત્રોને બોલાવીને જલસાથી જમો.
No comments:
Post a Comment